કોવીડ ઈયર્સ: COVID (Y)-Ears: written by Vijay Bhatt July 11th 2021
ફ્રાઈડે ની સાંજ, સરસ પવન, બેકયાર્ડમાં બેસીને, મારો પ્રિય રેડ-વાઈન, જે હું નાપા વેલી વાઈન કન્ટ્રી માંથી ખાસ લાવ્યો હતો, તેની લિજ્જત લેતો હતો અને સાથે હતી ભરૂચી સિકંદરની સીંગ!
અચાનક જ મહેશનો નો ફોન આવ્યો. સહેજ કેમ છો, કેમ નહિ, આમ તેમ વાત. લાગ્યું કે તે વાત કરવાના મૂડમાં હતો. પછી તો તરત જ એ માંડ્યો બોલવા. જાણે બોલવે ચઢ્યો. પોતાના બધા જ પ્રશ્નો, મૂંઝવણ, ઘરની, કામની, પત્નીની, અને બોસ ની ફરિયાદ. એક પછી એક અનેક , એકી શ્વાસે!
મને મજા આવતી હતી. નહિ કેમ કે તેને ઘણી મુશ્કેલીઓ હતી. નહિ કેમ કે તે ફરિયાદ કરતો હતો. પણ કારણ કે હું મારો પ્રિય વાઈન, સાથે સિકંદર ની શીંગ, અને એક મિત્ર સાથે નિરાંતે વાતો કરતો હતો, તે પણ ફ્રાઈડે સાંજે!
જોકે માર્ચ ૨૦૨૦ પછી આજ સુધી સોમવાર અને શુક્રવાર માં ખાસ ફરક નથી હોતો. તો પણ, જેમ કહે છે ને TGIF! ( થેન્ક ગોડ ઈટ ઇસ ફ્રાઈડે!).
મારી પાસે સમય જ સમય હતો તેના માટે. તેનો એકધારો એકતરફી સંવાદ(dialog) , જોકે સંવાદ જ્યારે બે વ્યક્તિ વાત કરે ત્યારે ગણાય. આ તો મોનોલોગ(monolog) કહી શકાય ડાયલોગ નહિ. અમુક વાત પત્ની વિશે, તો વાત જાય બોસ ની ફરિયાદ પર, અને બીજી મુંઝવણો. બધી જ વાતમાં અને બધાને વિષે જેમ અગ્નિ શામક પાઇપ નો આખો નળ ખુલી ગયો હોય તેમ ધોધમાર, વિના સંકોચે, ખુલ્લી તલવાર થી ફરિયાદ અને ભાંડે.
હું અવારનવાર "હા" .. "હ" .. "યસ"... "બરાબર" .."યસ" બોલ્યા કરતો તેથી તેની વાગ્ધારા ને ટેકો મળતો રહેતો. જાણે ઘણા વખતથી બોલવાનો ભૂખ્યો થયેલ અને પોતાની આપવિતી સંભળાવવા તત્પર માણસને કોઈ કાંઈ પૂછે અને એ જેમ તૂટી પડે, તેમ જ.
'બેફામ' ની ગઝલનો શેર યાદ આવી ગયો:
"થાય સરખામણી તો ઉતારતા છીએ તે છતાં આબરૂ ને દીપાવી દીધી..
કોણ જાણે હશે કેવી વર્ષો જૂની જિંદગી માં અસર એક તન્હાઇની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, તેને આખી કહાની સુણાવી દીધી."
સાચે જ જો મેં પુરેપુરા ધ્યાનથી સાંભળ્યું હોત તો મને બધી જ વાત પુરા સંદર્ભથી સમજણ પડત. પણ શું ખરેખર એવા ધ્યાનથી સાંભળવાની જરૂરિયાત હતી, તેને કે મને? ના. હું માત્ર એક સારા મિત્ર તરીકે વર્તાતો હતો, પણ એક આદર્શ અને ધ્યાનસ્થ શ્રોતા તરીકે તો નહીં જ. છતાં કોઈ માણસ પિસ્તાલીસ મિનિટ સુધી એકધારી જુદી જુદી ફરિયાદ અને ગાથા ચલાવે રાખે, તે સાબિતી છે કે તે માણસને કાંઈક કહેવું છે!
ખેર, જે હોય તે. હજી સુધી તો મેં માત્ર સાંભળ્યું. મેં કોઈ સૂચન કે સલાહ આપી ન હતી.
હું તો હતો માત્ર તેની કહાની નો, તેના પ્રશ્નો નો, એક માત્ર રડ્યો ખડયો, ઝપાટા માં આવી ગયેલો સહાનુભૂત શ્રોતા!
હું રાહ જોતો હતો કે તે જરા થંભે તો હું કાંઈ કહું. મારું શાણપણ બતાવી હું તેને કાંઈક એવું આપું જે મફત આપવા મોટાભાગના લોકો તત્પર હોય છે તે- 'સલાહ'!. મારા વર્ષોના નીવડેલ અનુભવની મહામૂલી મૂડી ના ખજાના માંથી કાઢી ને એક બે સલાહ રૂપી જણસો તેને આપવા હું પિસ્તાલીસ મિનિટ થી રાહ જોતો રહ્યો.
તેની આટલી લાંબી વાતો કાંઈ ફોગટ માં થોડી સાંભળી છે?
પણ મારું આજનું નસીબ માત્ર સરસ રેડ વાઈન અને સિકંદર ની શીંગ પૂરતું જ મર્યાદિત હતું. મારી મૂલ્યવાન મફત સલાહ એક જરૂરમંદ મિત્રને વહેંચવા જેટલું મારું સદ્ભાગ્ય મારી આજ ની કુંડળીમાં ન હતું !
છેવટે તે થોભ્યો. મને કહે "વિજય, થેન્ક યુ, આજે એટલું બધું સારું લાગ્યું કે આપણે બે મિત્રો એકબીજાને આપણા પ્રશ્નો ની વાત કરી અને એક બીજાને (!) સલાહ આપી. કેમ ચાલે છે બીજું? કેમ છે પત્ની, બાળકો? તું યાર લકી છે. ખેર, કાંઈ પણ કામ કાજ હોય તો કહે જે. સંભાળજે. સમય બહુ ખરાબ છે. આજે આપણે ગપ્પા માર્યા એટલે સારું લાગ્યું. બહુ ચિંતા કરવી નહીં. બધું બરાબર થઈ જશે. બસ આ સમય નીકળી જાય એટલે છૂટ્યા!" આમ એણે મને સલાહ આપી. એ બોલ્યા જ કર્યો. હું હજી કાંઈ મારા તરફથી કહું ત્યાં તો તેણે કહ્યું " ચાલ, બાય, થેન્ક યુ" એણે ફોન મૂકી દીધો.
મને થયું, કે બે કે ત્રણ પુરા વાક્ય બોલ્યા વગર જ, મેં મારા મિત્રને કેટલું સારું લાગે તેવી મદદ કરી! તેને પ્રશ્નો હતા, પણ તેને શું ખરેખર તેના પ્રશ્નોના જવાબ કે નિરાકરણ જોઈતા હતા? ના. તેણે મને સલાહ લેવા કે જ્ઞાન લેવા ફોન કર્યો હતો? ના. તેને માત્ર જરૂર હતી બે કાનની! સહાનુભૂતિપૂર્ણ , ધીરજ વાળા કાનની.
એક એવો જણ જે તેને 'સંભળાવે નહિ' પણ તેને 'સાંભળે'!
આ કોવીડ કાળમાં, બધા ને અનેક મુંઝવણ અને પ્રશ્નો છે. પણ મોટિવેશનલ સ્પીકરસ ને બદલે જરૂર છે મોટિવેશનલ લિસનર્સ ની!
અહો રૂપમ અહો ધ્વનિ જેવા, નવા ફૂટી નીકળેલ ડેલ કાર્નેગીઓ, ઓન લાઈન ભાષણકારો, પૉવર પોઇન્ટ પ્રેઝન્ટેશન્સ , લાઈફ કોચિંગ એડવાઈઝર, ઝૂમ અને યુટબ પરના જ્ઞાનીઓ, કરતાં જીવંત અને પ્રત્યક્ષ 'સાંભળનાર કા'ન' ની જરૂર છે.
એક મિત્રના કા'ન પેલા ગીતા ના કા'ના ની ખોટ પુરે!
બાય ધ વે, હું દરેક શુક્રવારે સાંજે છ પછી ફ્રી જ હોઉં છું, સાંભળવા.
શરત એટલી કે રેડ વાઈન નાપા વેલી નો, અને શીંગ ભરૃચી સિકંદર ની હોવી હોવી જરૂરી છે.
-Vijay Bhatt July 11h 2021